હવે મેરૂ સાથે જિંદગી કાઢજે, ઇ તારો જાનુ છે…તને બધુ પુરૂ પાડે છે’ સ્યૂસાઇડ નોટ લખી યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

 ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક આવી જ એક ઘટના રાજકોટ જિલ્લામાંથી સામે આવી છે.  રાજકોટ શહેરના મવડી ચોક પાસે આવેલ ઉદયનગર ખાતે રહેતાં જયસુખભાઇ વાડોદરીયા નામના યુવાને આજે સવારે ગોંડલ રોડ પી.ડી.એમ. કોલેજના ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ઘટના સ્થળેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. સ્યૂસાઇડ નોટ​​​​​​માં પત્નીના આડા સંબંધો અને બે પુત્રોના અસહ્ય મારથી પોતે કંટાળી ગયાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પોતાને ન્યાય અપાવવા આ યુવાને પોલીસ કમિશનરને સંબોધન કરીને સુસાઇડ નોટમાં વિસ્તૃત વિગતો લખી છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેણે પત્નીને ઉલ્લેખીને લખ્યું છે કે, હવે મેરૂ સાથે જિંદગી કાઢજે, ઇ તારો જાનુ છે.

પી.ડી.એમ. કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાની જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.બી.રાણા અને પ્રશાંતસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આપઘાત કરનારનું નામ જયસુખભાઇ હોવાનું સામે આવ્યું હતું અને તેમના ખિસ્સામાંથી પોલીસને એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, શ્રીમાન કમિશનર સાહેબ આ મારી સુસાઇડ નોટમાં સાચી હકીકત જણાવીશ તો તેનો અમલ વહેલાસર કરવા બાબત. હું છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છું. મારી પત્ની જયશ્રી, બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય હેરાન પરેશાન કરે છે. છેલ્લા બે દિવસથી મને ઢોર માર મારવામાં આવ્યો છે. તે વિશે મારા પડોશમાં પુછપરછ કરવા વિનંતી. મારા બંને પુત્રને આકરામાં આકરી સજા થાય તેવી મારી નમ્ર વિનંતી છે.

મૃતકે સુસાઇડ નોટમાં વધુમાં જણાવતા લખ્યું હતું કે, ગઇકાલે સાંજે ચાર વાગ્યા આસપાસ મારા રૂમનું બારણું બંધ કરીને મને ઢોર માર મારવામાં આવ્યો. મારી પત્ની ગાળો દઇ હાથમાં સાવરણી અને પ્લાસ્ટિકનો પાઇપ લઇને તૂટી પડી હતી. નાના છોકરાએ મારા મોઢાના 6 દાંત પાડી નાંખ્યા હતાં. મોટા પુત્ર સુમિતે કમરપટ્ટાથી માર માર્યો હતો. કમરપટ્ટાના 6-7 કટકા થઇ ગયા તોય બંધ થયો ન હતો. મારો વાંક ગુનો શું હતો તો મને ઢોર માર મારવામાં આવ્યો? પાંચ દિવસથી ખાવાનું નથી આપ્યું. આજીવન કેદની સજા થાય મારા મોટા પુત્રને એવું હું ઇચ્છુ છુ઼ં.

આગળ લખ્યું છે કે, મારી પત્નિની ચાલ ચલગત સારી નથી. તેની વિગત હું સબુત સાથે લખીશ. તમે આ બધાને કડક સજા થાય તેવા ઇમાનદાર પોલીસ સાહેબને કેસ આપજો. મારા બંને છોકરાને કૂકડા બનાવીને સરઘસ કાઢજો. અત્યારે મારી તબિયત સારી નથી. હાથ-પગ, મોઢુ બધુ દુઃખે છે, શ્વાસ માંડ લઇ શકુ છું. મારી ડેડ બોડી પીએમ કરો ત્યારે તમને ખબર પડશે કે મને કેટલો માર મારવામાં આવ્યો હતો. મારી પત્નીની વિગત લખુ છું. રાજભા, મંગલ પાંડે, સરોજ, પૂનમ, નાગજી, હંસાબેન, મેરૂભાઇ, મહેશ્વરી સહિતના નામોનો ઉલ્લેખ પણ સુસાઇડ નોટમાં છે.

મૃતકે વધુમાં જણાવ્યું હતું કે, આ ઓડિયો મારા મોબાઇલમાં છે. મારો મોબાઇલ મારા મોટા છોકરા સુમિત પાસેથી લઇ લેજો સબૂત મળી જાશે. મારી બાપદાદાની મિલકત 30થી 40 લાખની કિંમતનું મકાન મારી પત્ની જયશ્રી અને તેના પ્રેમી મેરૂ ફાંગલીયાએ થઇને 1 લાખ 80 હજારમાં પડાવી લીધું છે. મેરૂના ભત્રીજા હિરેન તેની પત્નીના નામે લખાવેલ છે. તેનો ન્યાય મને મળવો જોઇએ. મને માફ કરજો જયશ્રી, તે મારી એક વાત માની હોત તો હું આ પગલું ન ભરત, હવે તું આઝાદ. મારા મરણ પછી મારું હોન્ડા મારા ભત્રીજા અમિત જયંતિભાઇને સોંપજો. મારી પત્નીને કહેજો કે હવે મેરૂ સાથે જિંદગી કાઢજે, ઇ તારો જાનુ છે. તને બધુ પુરૂ પાડે છે. આ બધાની સારી રીતે સરભરા કરજો તેવી વિંનતી. લી. આપનો વિશ્વાસુ-વાડોદરીયા જે. એલ.

આ સાથે વારંવાર થતા પારિવારિક ઝઘડાને લઇ પરમ દિવસે સાંજે જયસુખભાઇ પોલીસ સ્ટેશને પત્ની-સંતાનો વિરૂદ્ધ અરજી કરવા ગયા હતાં. એ વખતે પત્ની જયશ્રીબેન લોહીલૂહાણ હાલતમાં બાલાજી હોલ પાસેની શિવ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. પતિએ ઝાડવા કાપવાની કાતરથી હુમલો કરી માર માર્યાનો આક્ષેપ તેણીએ કર્યો હતો. એ પછી જયસુખભાઇ તેના ભાઇના ઘરે જતાં રહ્યા હતાં અને પરત આવ્યા નહોતાં. ત્યારબાદ આજે આપઘાતનું પગલું ભરી લીધું હતું. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી સ્યૂસાઇડ નોટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post a Comment

0 Comments