વડોદરા: સોની પરિવારના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા, ઘર ચલાવવાના પણ થઈ ગયા હતા ફાંફા


અમદાવાદ: વડોદરામાં બુધવારે એક સોની પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવાની હચમચાવી નાખતી ઘટના બની હતી. જેમાં સોની પરિવારના 6 સભ્યોએ ઝેર પી લેતાં પરિવારના મોભી, દીકરી અને પૌત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની, દીકરા અને પુત્રવધુનો બચાવ થયો હતો, પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જાણવા મળ્યા મુજબ, આ પરિવારે આર્થિક ભીંસથી કંટાળી જઈ આત્મહત્યાનું પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પરિવાર કેટલી આર્થિક સંકડામણમાં હતું તેની જે વિગતો સામે આવી રહી છે તે ઘણી જ ચોંકાવનારી છે.

ઘટનાની વિગત મુજબ, વડોદારના ન્યુ સમા રોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 58 વર્ષના નરેન્દ્રભાઈ સોની, 55 વર્ષના તેમના પત્ની દિપ્તીબેન, 30 વર્ષના પુત્ર ભાવિન, 28 વર્ષની પુત્રવધુ ઉર્વી, 18 વર્ષની પુત્રી રિયા અને 4 વર્ષના પૌત્ર પાર્થે સામૂહિક રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પુત્ર ભાવિને તે પછી પોલીસ કન્ટ્રોલરૂમમાં જાણ કરી હતી કે, તેમના પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ પરિવારે આત્મહત્યા કરતા પહેલા કોઈની હિંમત તૂટી ન થાય તે ઘરની મુખ્ય જાળીને લોક મારી તેની ચાવી બહાર જ ફેંકી દીધી હતી. ભાવિનનો ફોન આવ્યા બાદ પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો તેને જાળીની ચાવી ઘરની બહારથી જ મળી આવી હતી.

પોલીસ જ્યારે તાળું ખોલીને ઘરમાં પ્રવેશી તો સોની પરિવારના છ સભ્યો નિસ્તેજ હાલતમાં મળ્યા હતા. તેમાંથી ઘરના મોભી નરેન્દ્રભાઈ સોની, પુત્રી રિયા અને પૌત્ર પાર્થના મોત નીપજ્યા હતા, જ્યારે પત્ની દિપ્તીબેન, પુત્ર ભાવિન અને પૂત્રવધુ ઉર્વીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ સોની અગાઉ ઈમીટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા હતા અને બાદમાં તેમણે મંગળબજારમાં પ્લાસ્ટિકની દુકાન ખોલી હતી. જોકે, ત્રણેક વર્ષ પહેલા આ દુકાન પણ બંધ કરી દીધી હતી અને તે પછીથી તેઓ ઘરે જ રહેતા હતા. જ્યારે પુત્ર ભાવિન કોમ્પ્યુટર રિપેરિંગનો વ્યવસાય કરતો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આ પરિવારની આર્થિક સ્થિતિ ઘણી તંગ હતી અને વ્યાજે રૂપિયા લાવીને ઘર ચલાવતા હતા.

જાણવા મળ્યા મુજબ, આ સોની પરિવારે પોતાનું ઘર વેચી દઈ સ્વાતિ સોસાયટીમાં ભાડે રહેવાનું શરૂ કર્યું હતું. ઘર વેચીને આવેલા રૂપિયા તેમણે વાઘોડિયામાં એક સ્કીમમાં મકાન લેવા માટે રોક્યા હતા, પરંતુ ત્યાં તેમના રૂપિયા ફસાઈ ગયા હતા. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, સોની પરિવારે ઘર પર લીધેલી લોન બાકી હોવાથી તેમના મકાનનો વેચાણ દસ્તાવેજ થઈ શક્યો ન હતો. જેના કારણે તેઓ ટેન્શનમાં રહેતા હતા.

દરમિયાનમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સોની પરિવારની પુત્રવધુ ઉર્વીની માતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરીએ તેના સાસરીયાંઓની સાચી સ્થિતિ અંગે ક્યારેય વાત કરી ન હતી. દર વખતે તે પોતે ઘણી ખુશ હોવાનું જ કહેતી હતી. ઉર્વશીની માતાએ જણાવ્યું કે, ઉર્વીના સાસરીયાં પાસે કાર પણ હતી.

કોરનામાં તેમની સ્થિતિ વધુ બગડી અને લોકડાઉનમાં તેમની બધી બચત પણ પૂરી થઈ ગઈ હતી. પુત્ર ભાવિનનો ધંધો પણ ઠપ થઈ ગયો હતો. પરિવાર પાસે આવકનુ કોઈ સાધન બચ્યું ન હતું. નરેન્દ્રભાઈ છેલ્લા આઠેક મહિનાથી આ મકાનમાં ભાડે રહેવા આવ્યા હતા અને તેનું દર મહિને 8 હજાર ભાડું ચૂકવતા હતા. પરંતુ, હવે તેમની પાસે ભાડું ભરવાના રૂપિયા પણ બચ્યા ન હતા. નરેન્દ્રભાઈની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેમને ધોરણ-12માં અભ્યાસ કરતી પોતાની દીકરીની સાઈકલ વેચી દેવી પડી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા ભાવિને ઘણા લોકો પાસેથી વ્યાજે અને ઉછીના નાણાં લીધા હોવાની પણ ચર્ચા છે.

આ પરિવારને જાણતા લોકોના જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલા જ આ લોકોએ પોતાનુ જ્યુપિટર વેચી દીધું હતું. એ રૂપિયામાંથી થોડા દિવસ પસાર કર્યા હતા, બાદમાં દીકરીની સાઈકલ 500 રૂપિયામાં વેચી દીધી હતી. આમ, બધી બાજુથી આર્થિક ભીંસમાં આવી ગયેલા પરિવારે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતા મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

    Post a Comment

    0 Comments